BISCUIT CAKE RECIPE

જરૂરી  સામગ્રી :

  • બોર્બન બિસ્કિટ - ૧ બાઉલ
  • ઈનો - ૧ ચમચી
  • દૂધ - ૧ ગ્લાસ
  • સુકામેવા - જરૂર મુજબ

બનાવવાની રીત :

આ ઇન્સ્ટન્ટ અને ઝડપથી બની જાય એવી કેકની રેસિપી માટે તમે કોઈ પણ બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો. આ રેસિપીમાં મેં બોર્બન બિસ્કિટનો ઉપયોગ કર્યો છે.

બોર્બન બિસ્કિટ એ ક્રિમ બિસ્કિટ છે જેથી એમાં કોઈ જ એક્સ્ટ્રા સામગ્રી નાખવાની જરૂર નથી. તેમજ તેમાં ઉપરની બાજુએ એક્સ્ટ્રા ખાંડ પણ હોય છે જેથી ઉપરથી ખાંડ નાખવાની પણ જરૂર નથી.

હવે રેસિપીની શરૂઆત આપણે સૌથી પહેલા બિસ્કિટનો મિક્સરમાં બારીક ભુક્કો કરીને કરીશું.

ત્યારબાદ તેને મોટા બાઉલમાં કાઢી લઈશું જેથી બરાબર મિક્સ કરી શકાય.

હવે તેમાં થોડું થોડું કરી દૂધ ઉમેરતા જાવ અને બરાબર મિક્સ કરી દો.

હવે કુકરને ધીમા તાપે ગરમ કરવા મૂકો અને તેમાં થોડું મીઠું ઉમેરી લો અને તેને હલાવી બધી બાજુ સરખી રીતે ફેલાવી લો. આ એટલા માટે કે કેકને બધી બાજુથી સરખો તાપ મળી રહે.

કુકરમાં તળીયાથી ઉપર કેકનો ડબ્બો મુકવા માટે ગોળ રીંગ અથવા વાટકી મુકવી જેથી ડબ્બો તળીયેથી થોડી ઉંચાઈ પર રહે.

સાથે કોઈ પણ ગોળ કે ચોરસ કોઈ પણ આકારનો ડબ્બો લઈ તેમાં થોડું તેલ લગાવી લો બધી જ બાજુએ અને એની ઉપર થોડોક ઘઉંનો લોટ ભભરાવી દો. લોટ તેલ સાથે ચોંટી જશે અને વધારાનો લોટ ડબ્બો પલટીને કાઢી લેવો.

હવે કેક મિશ્રણમાં ઈનો (ENO) ઉમેરી તેની ઉપર ૧ ચમચી દૂધ રેડતા ઈનો (ENO) એકટીવ થઈ જશે. ત્યારબાદ મિશ્રણને એક જ દિશામાં હલાવી ઈનોને (ENO) બરાબર મિક્સ કરી લો.

કેક મિશ્રણ પર સૂકામેવાના (જેમાં કાજુ, બદામ, દ્રાક્ષ, પીસ્તા લઈ શકો) નાના નાના ટુકડા કરી ભભરાવી દો.

ત્યારબાદ કેક મિશ્રણને અગાઉથી ગરમ કરેલ કૂકરમાં સાચવીને મૂકી ઢાંકણ બંધ કરી દો. કેકને ૩૫ મિનિટ સુધી ધીમા તાપે ચળવા દો.

કુકરને ૩૫ મિનિટ બાદ જ ખોલવું.

કેક તૈયાર થઈ છે કે નહીં એ જોવા માટે કોઈ પણ સળી કે ચપ્પુની મદદથી અંદર નાખી ચૅક કરી લેવું. જો સળી એકદમ ચોખ્ખી બહાર આવે તો કેક બિલકુલ તૈયાર છે.

અને જો સળી પર મિશ્રણ લાગે તો કેક હજુ અંદરથી બરાબર તૈયાર નથી. એટલે થોડી વાર વધુ ચળવા દો.

કેક તૈયાર થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો અને કેકને એકદમ ઠંડી થઇ જવા દો. ત્યારબાદ તે બિલકુલ તૈયાર છે ખાવા માટે.

આ રેસિપીનો વિડિયો જોવા માટે નીચેની ક્લીપ પર ક્લિક કરો.

આભાર.